જ્યારે સફરમાં એકલો હું નીકળી ગયો

મરજી મુજબ રસ્તા મહીં એમ જ વળી ગયો,
પર્વત ઉપરથી ઊતર્યો ને ખળભળી ગયો.

વરસો સુધી દર્પણ મને ના ઓળખી શક્યું,
હું જાતને મારી સતત એવું છળી ગયો.

સૂરજ થવાનો ગર્વ સાંજે ના ટકી શક્યો,
આવ્યું તિમિર ને એ પછી પળમાં ઢળી ગયો.

હું જિંદગીથી આમ તો નારાજ ક્યાં હતો?
હાથે હતું વિષ એમના માટે ગળી ગયો.

ત્યારે બધાં 'બેદિલ' મને આવ્યાં વળાવવા,
જ્યારે સફરમાં એકલો હું નીકળી ગયો.

- અશોક ચાવડા 'બેદિલ'

Comments