ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે
ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,
શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે.
આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે,
સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે.
સાવ અચાનક કયા વળાંકે? ખબર પડી આ,
આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે.
અઢળક તારાઓ મ્હારામાં ઝબકી ઊઠ્યા,
કોણ દિવસભર ઝળહળ થઈને ચાલ્યું આઘે?
કેટકેટલું મથે? દેહ પાછળ ને પાછળ,
મન હંમેશાં આગળ થઈને ચાલ્યું આઘે.
પથ્થરનો અવતાર મળ્યો આ જન્મે મિસ્કીન,
શું ય હશે જે ખળખળ થઈને ચાલ્યું આઘે.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Comments
Post a Comment