હું શું કરું?

મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું?
ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?

હું અલગ રહું, તું અલગ રહે, એ વિશાળતાનું હું શું કરું?
જવું એકમેકમાં ઓગળી હવે ભિન્નતાનું હું શું કરું?

જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે,
કરી એકઠી જે મેં ઉમ્રભર હવે એ મતાનુ હું શું કરું?

છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો,
હું બહાર ઊભો વિચારતો હવે ઉચ્ચતાનું હું શું કરું?

હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું,
ભરી હાથ જે કરી દે અપંગ એ સહાયતાનું હું શું કરું?

મારું શ્રેય શું, મારું ધ્યેય શું? છું હું બેખબર છે તને ખબર,
તું સજાગ છે, તું સચેત છે તો સભાનતાનું હું શું કરું?

તું કૃપા કરે છે જો મારા પર તો ઉપેક્ષા અન્યની થાય છે,
કે સમાનતાનો જ્યાં ભંગ હો , એ ઉદારતાનું હું શું કરું?

- ડૉ.રઈશ મનીઆર


Comments

Popular posts from this blog

મહિમા

બીજી તો કોઈ રીતે ના ભૂંસાય ચાંદની

તો કહું!