વેરાન મારા ઘરના આંગણની વાત કર મા

વેરાન મારા ઘરના આંગણની વાત કર મા,
તૂટેલ દ્વાર કેરા તોરણની વાત કર મા.

થંભી જશે કદાચિત્ દુ:ખતા હૃદયની ધડકન,
તું દે દવા, દરદના કારણની વાત કર મા.

એકાંતના કિનારે બેસી નિહાળ દુનિયા,
દીવાના લોકો પાસે સમજણની વાત કર મા.

આ જિંદગી કરી દઉં બસ ઓળઘોળ તુજ પર,
તું ફૂલ કે ભ્રમરના સગપણની વાત કર મા.

સીવી લે હોઠ તારા મોસમ ભલેને છલકે,
પિંજરમાં કેદ થઈને ફાગણની વાત કર મા.

હરશ્વાસને ગઝલ “મીરા' ઘૂંટીને પી જે,
તારી તરસના, ધારા ધોરણની વાત કર મા.

- મીરા આસિફ

Comments