બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે

બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે,
લાગે મને કે જગમાં બધા કામયાબ છે.

એમાં કોઈ જો ભાગ ન લે મારો શું કસૂર ?
જે પી રહ્યો છું હું તે બધાની શરાબ છે.

આઘાત એનો કોઈ સ્વમાની હ્રદયને પૂછ,
હમદર્દીઓ જગતની ખરેખર અજાબ છે. 

કંઇ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી,
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે.

તુજને ખબર ક્યાં તેજની વધઘટની વેદના?
એ આફતાબ તું તો ફકત આફતાબ છે. 

બે-ચાર ખાસ ચીજ છે જેની જ છે અછત,
બાકી અહીં જગતમાં બધું બેહિસાબ છે.

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી બધા કહે છે, જમાનો ખરાબ છે.

ચારિત્ર હો ગુલાબની સૂરત સમું 'મરીઝ', 
જે બાજુથી જુઓ અતિ સુંદર ગુલાબ છે.

 - 'મરીઝ'

Comments

Popular posts from this blog

બીજી તો કોઈ રીતે ના ભૂંસાય ચાંદની

લઇ આવ્યો

જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?