હો ભલેને અલ્પ પોતાનો સહારો જોઈએ

હો ભલેને અલ્પ પોતાનો સહારો જોઈએ,
બુંદભર પાણીને પણ પોતાનો કિનારો જોઈએ.

 એ જ છે વાણીની સફળતા, એજ છે સંગતનો રંગ,
હો ગમે તેવો વિષય સુંદર વિચારો જોઈએ.

મૂળમાં વર્ગીકરણ કુદરત કદી કરતી નથી,
જંગલી ફૂલોને પણ ખુદની બહારો જોઈએ.

થાક લાગ્યો હો પરમ કક્ષાનો ત્યાં શું ચુંટણી?
મહેલ હો કે ઝૂંપડી મારે ઉતારો જોઈએ.

તે પછી જોજો અમારી સ્પષ્ટ વાતોની મજા,
આપની આંખોનો એક મોઘમ ઈશારો જોઈએ.

જિંદગાનીનું ઘડામણ એટલું સહેલું નથી,
થોડા ખુદની જાત ઉપર પણ પ્રહારો જોઈએ.

પ્રેમ એક જ છે, સનાતન છે, અચલ છે ઓ ‘મરીઝ’
રૂપ છે લાચાર એને તો પ્રકારો જોઈએ.

- 'મરીઝ'

Comments

Popular posts from this blog

બીજી તો કોઈ રીતે ના ભૂંસાય ચાંદની

લઇ આવ્યો

જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?