ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે,
તો પણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે.
જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને,
પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે.
મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યાં કરું,
મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે.
મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં!
એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે
સ્વપ્નાંય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયાં,
જીવનમા તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે?
- જવાહર બક્ષી
Comments
Post a Comment