તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ

રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ?
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

તમે રેતી કે હથેલી ઉપર લખો તમારું નામ,
અમે એટલાં ઘેલા, ઘાયલ : નહીં નામ કે ઠામ.

તમને તો કોઈ કારણ અમને નહીં બહાનાં નહીં વ્હેમ,
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

તમને વાદળ, ધુમ્મસ વહાલાં અમને ઊજળી રાત,
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારિજાત.

અહો આંખથી ગંગાયમુના વહે એમ ને એમ,
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

- સુરેશ દલાલ

Comments