અમે પણ જોઈ લીધું છે

કમળદળને ભીંજાવીને અમે પણ જોઈ લીધું છે,
કોઈને યાદ આવીને અમે પણ જોઈ લીધું છે.

તમારું મુખ કોઈ કિસ્મતની બાબત હોય એ રીતે,
હથેળીમાં છુપાવીને અમે પણ જોઈ લીધું છે.

કદી વિદ્યુતપ્રવાહોથી રમત સારી નથી હોતી,
જરા નજરો મિલાવીને અમે પણ જોઈ લીધું છે.

કોઈને ક્યારે ક્યારે, કોનું કોનું, આવે છે સપનું,
કદીક એમાં જ આવીને અમે પણ જોઈ લીધું છે.

ઉજાસો ઝળહળાવીને તમે જે માંડ જોયું, એ
તિમિરને ટમટમાવીને અમે પણ જોઈ લીધું છે.

જીવાદોરી હવે તો રાખવી છે સાવ સીધીસટ,
કે વળ પર વળ ચડાવીને અમે પણ જોઈ લીધું છે.

કયા હોઠોએ તૈયારી કરી છે ફૂંકને માટે,
એ દીવો ટમટમાવીને અમે પણ જોઈ લીધું છે.

અહીં ચારિત્ર્યની છાપેલી કિંમત દોઢ રૂપિયો છે
એ અખબારો મગાવીને અમે પણ જોઈ લીધું છે.

– ઉદયન ઠક્કર

Comments

Popular posts from this blog

બીજી તો કોઈ રીતે ના ભૂંસાય ચાંદની

લઇ આવ્યો

જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?