શું ચીજ છે

અસ્તના રંગે ડૂબેલી યાદ પણ શું ચીજ છે;
દોસ્ત, ઢળતી સાંજનો અવસાદ પણ શું ચીજ છે.

સેંકડો બાંધેલ સાંકળ જેમ ખેંચે છે મને,
જે તમે ના દઈ શક્યા એ સાદ પણ શું ચીજ છે.

તોડી નાખે છે રગેરગ ને ચીરી નાખે ત્વચા,
લોહીમાં એક નામનો ઉન્માદ પણ શું ચીજ છે.

એકલું લાગ્યું નથી ક્યારેય પણ એકાંતમાં,
આ મનોમન ચાલતો સંવાદ પણ શું ચીજ છે.

ખોતરે છે જન્મને જન્માંતરોની વેદના,
આ અષાઢી રાતનો વરસાદ પણ શું ચીજ છે.

“મૃત્યુ” જેવો માત્ર ટૂંકા એક શબ્દે તેં કર્યો,
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.

એ બની રહી આજ પર્યંત મારી સર્જકતાનું બળ,
કોઈએ મૂંગી દીધેલી દાદ પણ શું ચીજ છે.

– મનોજ ખંડેરિયા

Comments