કેટલા મગરૂર છે બે-ચાર લીલા શ્વાસ પર

કેટલા મગરૂર છે બે-ચાર લીલા શ્વાસ પર,
ક્યાં ખબર છે પાનખરનું રાજ છે મધુમાસ પર.

કેટલું કથળી ગયેલું છે કથાનક એમનું,
ટિપ્પણી કરતા રહ્યા જે વિશ્વના ઈતિહાસ પર.

એક કેવળ રણ ન એને સાચવી શકતે કદી,
કેટલાં મૃગજળ ટક્યાં છે એક મારી પ્યાસ પર.

એમને તો મારી હસ્તીની ખબર પણ ના પડી,
હું સતત શ્વસતો રહ્યો છું જેમના અહેસાસ પર.

આપ શું જાણો પ્રતીક્ષા કઈ બલાનું નામ છે?
કોઈ દિ’ તડપ્યા છો મારા આગમનની આશ પર?

કોઈ દિ’ ‘બેતાબ’ એ સળગી જશે મુજ આહથી,
ખૂબ આવે છે દયા મુજને કબરના ઘાસ પર.

– રિષભ મહેતા

Comments

Popular posts from this blog

બીજી તો કોઈ રીતે ના ભૂંસાય ચાંદની

લઇ આવ્યો

જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?