શું કહેવું?

મોતની સાથે જીવનની અવિરામ લડતને શું કહેવું?
શ્વાસે શ્વાસે ખેલાતા આ પાણીપતને શું કહેવું?

ખીલીને કરમાય છે કળીઓ, એ તો નિયમ છે કુદરતનો,
અણખીલી કરમાય કળી તો એ કુદરતને શું કહેવું?

જ્યારે દેખો નાશની ચર્ચા, જ્યારે દેખો નાશની ધૂન,
કાયા તારી એક જ તરફી પંચાયતને શું કહેવું ?

રૂપની ભિક્ષા લેવા અંતર તારું દ્વાર જ શોધે છે,
એક જ ઘરની ટે’લ કરે એ અભ્યાગતને શું કહેવું?

મોતની સામે રમતાં રમતાં રામ રમે છે જીવનના,
મીન થઈને ડૂબે એવા પારંગતને શું કહેવું?

લાખ ઉષા ને સંધ્યા ખેલે હોળી વ્યોમની ધરતી પર,
રક્ત બની જે આંખમાં જામે એ રંગતને શું કહેવું?

કાંઠા પર મજધાર બનાવે, હાય! એ પામર નિર્બળતા?
કાંઠાને મજધારમાં આણે, એ હિંમતને શું કહેવું?

તારી યાદની હિચકી આવી પ્રાણને મુજ રીબાવે છે,
તું જ કરે છે ખોટી ખોટી અટકાયતને શું કહેવું?

યાદ કોઈની દિલમાં આવી દિલની માલિક થઈ બેઠી,
શુન્ય હવે આ સત્તાલોભી શરણાગતને શું કહેવું?

– શૂન્ય પાલનપુરી

Comments

Popular posts from this blog

મહિમા

એક ભ્રમણા છે, હકીકતમાં સહારો તો નથી