એક ભ્રમણા છે, હકીકતમાં સહારો તો નથી

એક ભ્રમણા છે, હકીકતમાં સહારો તો નથી,
જેને સમજો છો કિનારો એ કિનારો તો નથી!

એક પણ ફૂલમાં અણસાર તમારો તો નથી,
ભાસ કેવળ છે બહારોનો, બહારો તો નથી!

એ ખજાનો છે ગગન કેરો, અમારો તો નથી,
એક પણ એમાં મુકદ્દરનો સિતારો તો નથી.

કેમ અચરજથી જગત તાકી રહ્યું મારું વદન?
સ્હેજ જોજો ! કોઈ પડછાયો તમારો તો નથી!

દિલના અંધારમાં આ ચાંદની ક્યાંથી ખીલી?
ચંદ્રમુખ ! એ મહીં ઓછાયો તમારો તો નથી?

મુજને દુનિયા ય હવે તારો દીવાનો કે’ છે,
એને સંમત તારી આંખોનો ઇશારો તો નથી?

મુજને મઝધાર, ઓ મોજાંઓ ફરી લઈ ચાલો,
મારો હેતુ, મારી મંઝિલ આ કિનારો તો નથી!

હુંય માનું છું નથી ક્યાંય ‘એ’ દુનિયામાં નથી,
પણ વિચારો તો બધે છે, ન વિચારો તો નથી!

માત્ર મિત્રોનું નહિ, દુનિયાનું દરદ છે એમાં,
કોઈનો મારી મોહબ્બતમાં ઈજારો તો નથી!

પ્રેમ-પત્રો એ હરીફોના ભલે વાંચો; તમે,
એમાં જોજો મારી ગઝલોનો ઉતારો તો નથી?

લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો ‘આસિમ!’
મારી ‘લીલા’, મારી ‘તાપી’નો કિનારો તો નથી.

– આસિમ રાંદેરી

Comments

Popular posts from this blog

શું કહેવું?

મહિમા