ક્યાંથી લાવીએ?
તાપસને તપનું હોય એવું ભાન ક્યાંથી લાવીએ?
અથવા તો સહૃદયીના જેવી તાન ક્યાંથી લાવીએ?
ભીતરથી આરંભાઈ ‘ને પહોંચાડે પાછાં ભીતરે,
અનહદ અલૌકિક આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ?
પોતે જ આવીએ, ને પોતે આવકારીએ વળી -
હરરોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ?
સંવેદનાઓ સઘળી થઈ ગઈ છે ઠરીને ઠીકરું,
ત્સુનામી જેવું લોહીમાં તોફાન ક્યાંથી લાવીએ?
ના, કોઈ પણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા,
એ મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ?
ખીલા તો શું એકેય સાચું વેણ સહેવાતું નથી,
સમતા જ આભૂષણ બને એ કાન ક્યાંથી લાવીએ?
પરભાતિયાં તો આપણે પણ આજ લગ ગાયાં કર્યાં,
કિન્તુ એ નમણાં નામનું સંધાન ક્યાંથી લાવીએ?
- સંજુ વાળા
Comments
Post a Comment