હું કોઈ અન્જાન હાથોએ ચગાવેલો પતંગ
હું કોઈ અન્જાન હાથોએ ચગાવેલો પતંગ,
છું હવાના આશરે છુટ્ટો મુકાયેલો પતંગ!
ડોર કાચી છે કે પાકી, જાણ એની કંઈ નથી,
જીંદગી બેધ્યાન શ્વાસોએ ઉડાવેલો પતંગ!
આભ ખુલ્લું ને અનુકૂળ હો પવન તો શું થયું?
ઉડવા પહેલાં જ ભીતરથી ઘવાયેલો પતંગ!
મારશે ગુલાંટ ક્યારે ? સ્થિર ક્યારે એ થશે!
આપણાથી હોય ક્યારે ઓળખાયેલો પતંગ!
એકલો ચગતો રહે તો એનો કંઈ મહિમા નથી,
ને બધા વચ્ચે રહે તો છે ફસાયેલો પતંગ!
કોણ ચગાવે, કોણ કાપે, કોણ લૂંટે શી ખબર?
આપણા જેવો જ છે અધ્ધર, જુઓ, પેલો પતંગ!
ના ચઢે, કે ઉતરે પોતાની મરજીથી કદી,
ને છતાં લાગે કહો કયારેય થાકેલો પતંગ?
એક તો કાગળની કાયા, આગ-વાયુ ચોતરફ,
તે છતાં પણ નીકળ્યો, ચગવા જ જન્મેલો પતંગ.
આપણી આ જાતમાં આખર વસે છે વાલિયો,
ખુબ પ્યારો હોય છે સૌને લૂંટાયેલો પતંગ.
એક માણસ જો કપાયે, ટીસ પણ ઉઠતી નથી!
ને કેવી હો-હા થાય છે દેખી કપાયેલો પતંગ.
હાથમાં રહી જાય છે જે ડોર, એ છે જીંદગી!
સૂચવે છે એ જ સૌને હર કપાયેલો પતંગ.
- રિષભ મહેતા
Comments
Post a Comment