કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ
કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ,
દૃશ્ય જોવાની ફકત ઓકાત હોવી જોઈએ.
વાદળોને તેડવાથી આંગણાં પલળે નહીં,
ઝાડ જેવી આપણી મિરાત હોવી જોઈએ.
આંખ ભીની થાય એ માટેની પૂર્વધારણા,
ભીતરે અંગાર જેવી વાત હોવી જોઈએ.
શક્યતા સઘળી મિલનની એ પછીથી ઉદભવે,
લાગણીની સૌપ્રથમ રજૂઆત હોવી જોઈએ.
જે જગાએ પ્હોંચવું હો જિંદગીમાં આપણે,
એ પ્રમાણે પંથની શરૂઆત હોવી જોઈએ.
મંઝિલો આવીને ચૂમી લે સ્વયં ચરણ,
ઝંખનામાં એટલી તાકાત હોવી જોઈએ.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક
Comments
Post a Comment