Posts

तेरी मिट्टी में मिल जावाँ

Image
तलवारों पे सर वार दिए अंगारों में जिस्म जलाया है | तब जा के कहीं हमने सर पे ये केसरी रंग सजाया है || ऐ मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे | महफूज़ रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे न रहे || ऐ मेरी ज़मीं महबूब मेरी मेरी नस-नस में तेरा इश्क बहे | फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे || तेरी मिट्टी में मिल जावाँ गुल बणके मैं खिल जावाँ  इतनी सी है दिल की आरज़ू | तेरी नदियों में बह जावाँ तेरे खेतों में लहरावाँ इतनी सी है दिल की आरज़ू || सरसों से भरे खलिहान मेरे जहाँ झूम के भंगड़ा पा न सका आबाद रहे वो गाँव मेरा | जहाँ लौट के वापस जा न सका ओ वतना वे, मेरे वतना वे | तेरा-मेरा प्यार निराला था कुर्बान हुआ तेरी अस्मत पे मैं कितना नसीबों वाला था || तेरी मिट्टी में मिल जावाँ... || केसरी... || ओ हीर मेरी तू हँसती रहे तेरी आँख घड़ी भर नम ना हो | मैं मरता था जिस मुखड़े पे कभी उसका उजाला कम ना हो || ओ माई मेरी क्या फिक्र तुझे क्यूँ आँख से दरिया बहता है | तू कहती थी तेरा चाँद हूँ मैं और चाँद हमेशा रहता है || तेरी मिट्टी में मिल जावाँ...|| - मनोज मुंतशिर

કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ

Image
કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ, દૃશ્ય જોવાની ફકત ઓકાત હોવી જોઈએ. વાદળોને તેડવાથી આંગણાં પલળે નહીં, ઝાડ જેવી આપણી મિરાત હોવી જોઈએ. આંખ ભીની થાય એ માટેની પૂર્વધારણા, ભીતરે અંગાર જેવી વાત હોવી જોઈએ. શક્યતા સઘળી મિલનની એ પછીથી ઉદભવે, લાગણીની સૌપ્રથમ રજૂઆત હોવી જોઈએ. જે જગાએ પ્હોંચવું હો જિંદગીમાં આપણે, એ પ્રમાણે પંથની શરૂઆત હોવી જોઈએ. મંઝિલો આવીને ચૂમી લે સ્વયં ચરણ, ઝંખનામાં એટલી તાકાત હોવી જોઈએ. – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક

એક ભ્રમણા છે, હકીકતમાં સહારો તો નથી

Image
એક ભ્રમણા છે, હકીકતમાં સહારો તો નથી, જેને સમજો છો કિનારો એ કિનારો તો નથી! એક પણ ફૂલમાં અણસાર તમારો તો નથી, ભાસ કેવળ છે બહારોનો, બહારો તો નથી! એ ખજાનો છે ગગન કેરો, અમારો તો નથી, એક પણ એમાં મુકદ્દરનો સિતારો તો નથી. કેમ અચરજથી જગત તાકી રહ્યું મારું વદન? સ્હેજ જોજો ! કોઈ પડછાયો તમારો તો નથી! દિલના અંધારમાં આ ચાંદની ક્યાંથી ખીલી? ચંદ્રમુખ ! એ મહીં ઓછાયો તમારો તો નથી? મુજને દુનિયા ય હવે તારો દીવાનો કે’ છે, એને સંમત તારી આંખોનો ઇશારો તો નથી? મુજને મઝધાર, ઓ મોજાંઓ ફરી લઈ ચાલો, મારો હેતુ, મારી મંઝિલ આ કિનારો તો નથી! હુંય માનું છું નથી ક્યાંય ‘એ’ દુનિયામાં નથી, પણ વિચારો તો બધે છે, ન વિચારો તો નથી! માત્ર મિત્રોનું નહિ, દુનિયાનું દરદ છે એમાં, કોઈનો મારી મોહબ્બતમાં ઈજારો તો નથી! પ્રેમ-પત્રો એ હરીફોના ભલે વાંચો; તમે, એમાં જોજો મારી ગઝલોનો ઉતારો તો નથી? લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો ‘આસિમ!’ મારી ‘લીલા’, મારી ‘તાપી’નો કિનારો તો નથી. – આસિમ રાંદેરી

હું કોઈ અન્જાન હાથોએ ચગાવેલો પતંગ

Image
હું કોઈ અન્જાન હાથોએ ચગાવેલો પતંગ, છું હવાના આશરે છુટ્ટો મુકાયેલો પતંગ! ડોર કાચી છે કે પાકી, જાણ એની કંઈ નથી, જીંદગી બેધ્યાન શ્વાસોએ ઉડાવેલો પતંગ! આભ ખુલ્લું ને અનુકૂળ હો પવન તો શું થયું? ઉડવા પહેલાં જ ભીતરથી ઘવાયેલો પતંગ! મારશે ગુલાંટ ક્યારે ? સ્થિર ક્યારે એ થશે! આપણાથી હોય ક્યારે ઓળખાયેલો પતંગ! એકલો ચગતો રહે તો એનો કંઈ મહિમા નથી, ને બધા વચ્ચે રહે તો છે ફસાયેલો પતંગ! કોણ ચગાવે, કોણ કાપે, કોણ લૂંટે શી ખબર? આપણા જેવો જ છે અધ્ધર, જુઓ, પેલો પતંગ! ના ચઢે, કે ઉતરે પોતાની મરજીથી કદી, ને છતાં લાગે કહો કયારેય થાકેલો પતંગ? એક તો કાગળની કાયા, આગ-વાયુ ચોતરફ, તે છતાં પણ નીકળ્યો, ચગવા જ જન્મેલો પતંગ. આપણી આ જાતમાં આખર વસે છે વાલિયો, ખુબ પ્યારો હોય છે સૌને લૂંટાયેલો પતંગ. એક માણસ જો કપાયે, ટીસ પણ ઉઠતી નથી! ને કેવી હો-હા થાય છે દેખી કપાયેલો પતંગ. હાથમાં રહી જાય છે જે ડોર, એ છે જીંદગી! સૂચવે છે એ જ સૌને હર કપાયેલો પતંગ. - રિષભ મહેતા

મહિમા

Image
ભલે આજે નહીં સમજે કોઈ ‘ઉન્માદ’નો મહિમા, ઉનાળામાં જ સમજાઈ શકે વરસાદનો મહિમા. અલગ છે શબ્દનો મહિમા! અલગ છે નાદનો મહિમા, છતાં એક જ છે બંનેથી થતા સંવાદનો મહિમા. જો એ વ્યક્તિ જ હાજર હોય તો એનોય છે આનંદ, નહીંતર આમ ક્યાં ઓછો છે એની યાદનો મહિમા? પ્રણયની વેદનામાં વેદનાનું દુઃખ નથી હોતું, અને ફરિયાદમાં હોતો નથી ફરિયાદનો મહિમા. ‘મુકુલ’ એવી જગાએ જઈ ગઝલ ના વાંચશો હરગીઝ, ગઝલથી પણ વધારે હોય છે જ્યાં દાદનો મહિમા. - મુકુલ ચોક્સી

ક્યાંથી લાવીએ?

Image
તાપસને તપનું હોય એવું ભાન ક્યાંથી લાવીએ? અથવા તો સહૃદયીના જેવી તાન ક્યાંથી લાવીએ? ભીતરથી આરંભાઈ ‘ને પહોંચાડે પાછાં ભીતરે, અનહદ અલૌકિક આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ? પોતે જ આવીએ, ને પોતે આવકારીએ વળી - હરરોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ? સંવેદનાઓ સઘળી થઈ ગઈ છે ઠરીને ઠીકરું, ત્સુનામી જેવું લોહીમાં તોફાન ક્યાંથી લાવીએ? ના, કોઈ પણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા, એ મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ? ખીલા તો શું એકેય સાચું વેણ સહેવાતું નથી, સમતા જ આભૂષણ બને એ કાન ક્યાંથી લાવીએ? પરભાતિયાં તો આપણે પણ આજ લગ ગાયાં કર્યાં, કિન્તુ એ નમણાં નામનું સંધાન ક્યાંથી લાવીએ? - સંજુ વાળા

શું કહેવું?

Image
મોતની સાથે જીવનની અવિરામ લડતને શું કહેવું? શ્વાસે શ્વાસે ખેલાતા આ પાણીપતને શું કહેવું? ખીલીને કરમાય છે કળીઓ, એ તો નિયમ છે કુદરતનો, અણખીલી કરમાય કળી તો એ કુદરતને શું કહેવું? જ્યારે દેખો નાશની ચર્ચા, જ્યારે દેખો નાશની ધૂન, કાયા તારી એક જ તરફી પંચાયતને શું કહેવું ? રૂપની ભિક્ષા લેવા અંતર તારું દ્વાર જ શોધે છે, એક જ ઘરની ટે’લ કરે એ અભ્યાગતને શું કહેવું? મોતની સામે રમતાં રમતાં રામ રમે છે જીવનના, મીન થઈને ડૂબે એવા પારંગતને શું કહેવું? લાખ ઉષા ને સંધ્યા ખેલે હોળી વ્યોમની ધરતી પર, રક્ત બની જે આંખમાં જામે એ રંગતને શું કહેવું? કાંઠા પર મજધાર બનાવે, હાય! એ પામર નિર્બળતા? કાંઠાને મજધારમાં આણે, એ હિંમતને શું કહેવું? તારી યાદની હિચકી આવી પ્રાણને મુજ રીબાવે છે, તું જ કરે છે ખોટી ખોટી અટકાયતને શું કહેવું? યાદ કોઈની દિલમાં આવી દિલની માલિક થઈ બેઠી, શુન્ય હવે આ સત્તાલોભી શરણાગતને શું કહેવું? – શૂન્ય પાલનપુરી